ડહાપણ

હૈયા ઉકળતા આગળ ગૂગલ નું ડહાપણ પણ પાણી ભરે હો મારા ભઈ...



થોડા સમય અગાઉ, એક મિત્ર દંપતી ઘરે બેસવા આવ્યા..
એમના દીકરા માટે કોઈ દીકરી શોધતા હતા. એમણે કહ્યું કે ફલાણાભાઈની દીકરી છે તમારો અભિપ્રાય શું છે ?
મેં કહ્યું : કુટુંબ સારું , દીકરી સારું ભણેલી પણ છે. પપ્પાનો સ્વભાવ પણ ખૂબ સારો પરંતુ દીકરી વિશે વિશેષ ખબર નથી.
પણ મેં કહ્યું કે એ મારા એક શિક્ષક મિત્ર છે એમને ત્યાં એ ટ્યુશનમાં જતી. મેં જ એમનો દીકરીને શિક્ષકનો રેફરન્સ આપેલો.
આપણે સાહેબને જ ફોન કરીને અભિપ્રાય લઈએ. આથી સ્પીકર ચાલુ રાખી એ શિક્ષકને ફોન કર્યો.
થોડી આડીઅવળી વાતો પછી એ દીકરી વિશે પૂછ્યું એટલે કહ્યું કે : ભણવામાં તો હોશિયાર હતી, ચાલ ચલગતમાં પણ ખૂબ સારી ..
પછી ધીમેક રહીને એ શિક્ષક બોલ્યા : *"આમ બધું સારું પણ વેતાં વગરની.."*
હવે આ અમદાવાદી મિત્ર મારી સામું જોવા લાગ્યા કે આ બધું સારું એમ કહે છે ને પછી ધીમે રહીને કહે છે કે વેતાં વગરની એટલે સમજાણું નહીં ?
મને કહે આ વેતાં વગરની એટલે શું ?
બે મિનિટ તો મને થયું કે આમને કેમ સમજાવું કે વેતાં વગરની એટલે શું ?
મને એ કહે ચારિત્ર્ય વગરની મેં કહ્યું: ના ના એવું નહિ..
તો મને કહે ભણેલી નહિ એવું?
મેં કહ્યું: ના આજની કહેવાતી ડીગ્રી ધારક તો છે જ..
મને કહે તો પછી આ વેતાં વગરની એટલે ?
મેં કહ્યું આ અમારો કાઠિયાવાડી શબ્દ છે. જેનો અર્થ એવો થાય કે *જેમનામાં વ્યવહારિક સૂઝબૂઝ કે વ્યવહાર કુશળતા ન હોય તેને વેતાં વગરની કહેવાય..*
મને કહે એટલે ?
મારે ટૂંકમાં પતાવવું હતું પણ મિત્રના પત્નિને પણ હવે તો એ જાણવામાં વધારે રસ પડ્યો મને કહે જરા વિગતે જણાવો ને !..
પછી મારે એમને કહેવું પડ્યું કે *વેતાં વગરની દીકરી એટલે કે* ..જેમના ઘરે તમે મહેમાન બનીને જાવ અને તે 17-18 વર્ષની દીકરી સોફામાં બેઠી હોય અને તેને ઉભા થઈને મહેમાનને આવકારવાની અક્કલ ન સુજે કે મહેમાનના ખબર અંતર ન પૂછે, કે પછી તેની મમ્મી ઉભી થઈને પાણીનો ગ્લાસ લેવા જાય તો પણ પોતાને ઉભા થઈને પાણી આપવું જોઈએ એવી જેને ખબર ન પડે તેને અમારા કાઠિયાવાડમાં વેતાં વગરની કહે.
મહેમાન આવ્યા પછી ટીવી બંધ કરીને અથવા તો વોલ્યુમ ધીમું કરીએ અને મહેમાન સાથે વાતો કરીએ આવી જેને સમજણ ન હોય તેને વેતાં વગરની કહે..
આ બધી વાતો શિક્ષણમાં ભણાવાતી નથી અને પરિણામે માંને પણ ખબર નથી અને માંને ખબર નથી એટલે દિકરીમાં નથી આવતું.
મહેમાન જમવા બેઠા હોય તો પોતાની થાળી સિવાય બીજો ધ્યાન જ ન આપે કે મહેમાનની થાળીમાં શું ખલાસ થયું છે તો એ પીરસીએ - આવી ખબર ન પડે તેને વેતાં વગરની કહેવાય , મહેમાન ચમચી માટે આજુબાજુ જોતા હોય કે દૂધપાક પીરસ્યો પણ ચમચી નથી તો મહેમાનની ચકળવકળ આંખો જોઇને જે સમજી ન જાય તેને વેતાં વગરની કહેવાય. જમી લીધા પછી મમ્મી ઉભી થઈને પોતું કરતી હોય કે ડાઇનિંગ ટેબલ સાફ કરતી હોયને દીકરી ઉભી ઉભી ઇન્સ્ટા ઘુમડતી અને તે પણ મહેમાનની હાજરીમાં તો તેને વેતાં વગરની કહેવાય..
આ વાત બે પરિપેક્ષ માં હોય છે : એક તો સમજણ હોય પરંતુ ડાંડ વેડા કરતી હોય ત્યાં મને ફરી પ્રશ્ન કર્યો આ ડાંડ વેડા એટલે ?
હું ફરી મુંજાયો કે આમને ડાંડવેડા કેમ સમજાવું ?
મેં કહ્યું કે ખબર બધીજ પડતી હોય પરંતુ કામ કરવાની દાનત ન હોય તેને કાઠિયાવાડમાં *ડાંડવેડા* કહેવાય..
બીજું પરિપેક્ષ્ય એટલે જેને ખરેખર આવી સમજ જ નથી પડતી એટલે કે વેતાં વગરની..
આ બન્ને કક્ષાને અમારા કાઠીયાવાડના અનુભવી બહેનો જોઈને સમજી જાય કે આ ડાંડ છે કે વેતાં વગરની.આજ કાલ ભણવાના ઓઠા હેઠળ દીકરીઓ કાં તો વેતાં વગરની રહે છે અને સમજણ હોય તો ડાંડ થાય છે. આજે જે બહેનો ડોકટર, એન્જીનયર કે સી.એ જેવી ઉચ્ચ ડીગ્રી ધરાવે છે એ જ્યારે યુવાન હતી ત્યારે અત્યાર જેટલો જ અભ્યાસક્રમ અઘરો હતો , આવી મોટી ટયુશનની ભરમાળ ન હતી આમ છતાં, આ બધીજ બહેનો કે આજે 50ની આસપાસની ઉંમરની છે એ દરેક બહેનો એ.. આ બધીજ જવાબદારીઓ નિભાવી છે. તેઓ આ વેતાં વગરની અને ડાંડ વચ્ચેનો તફાવત તરત સમજી જાય છે.
પરંતુ આજે ખબર નહિ આવો વેતાં વગરનો વર્ગ વધતો જાય છે જેમ યુવતીઓમાં આવો વર્ગ છે એવોજ વર્ગ યુવાનોમાં પણ છે જ ..
પિતા સ્કુટરનું સ્ટેન્ડ ચડાવવા મથતા હોયને દીકરો જુવે છે પણ મિત્રો સાથે ગપાટા મારવા માંથી નવરો નથી પડતો કે FB પર પોસ્ટ મુકવામાં મસ્ત છે અને પિતાને કહેતો નથી કે લાવો હું સ્ટેન્ડ ચડાવી આપું તો તેને પણ વેતાં વગરનો જ કહે છે. આ યુવાનો પણ લગ્નમાં કોઈ વડીલ મળે તો ખબર અંતર પૂછવા જેટલી પણ દરકાર ન કરે તો કાઠિયાવાડમાં વડીલ માપી લે કે સાવ વેતાં વગરનો છે. આ વાત યુવક યુવતી બન્ને માટે સરખી જ છે.
દીકરી માટે વિશેષ અપેક્ષા હોય છે કારણ દીકરી એક નહિ બે ઘરને ઉજળે છે એટલે સો શિક્ષક બરાબર એક માતા છે (દસ શિક્ષક બરાબર એક પિતા એવું તો બોલાતું પણ નથી એટલે માતાનું સ્થાન પિતા કરતા ઘણું ઊંચું છે ) .
આથી, *બાળકોના ઘડતરનો પાયો તેની માતા હોય છે.* આ રામાયણ વતા ઓછા અંશે મારા તમારા સૌના ઘરે હોય છે..
કુવામાં હોય તો હવેડા (કે અવેડા)માં આવે ?
હવે ..આ હવેડો કે અવેડો એટલે શું? એવું ન પૂછતાં..


JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.